Gujarati Kavi, Kavita & Gazals

એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
પગ તળેથી જ ધરતી ખસી જાય છે
ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે
નૌકા જળમાં રહે તો ય જળથી અજાણ
છિદ્ર પડતાં પરિચય થતો જાય છે
માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે
લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર
એ જ શત્રુના ભાથે ઉમેરાય છે
- રઈશ મનીઆર
લક્ષ્ય ચૂકી ગયેલું તીર શત્રુના ભાથે ઉમેરાય
---------------------------------
એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
પગ તળેથી જ ધરતી ખસી જાય છે
પરંપરાની ગઝલો મોટે ભાગે દાવા-દલીલની પદ્ધતિથી રચાતી. શેરની પહેલી પંક્તિમાં કરાયેલા દાવાનું બીજી પંક્તિની દલીલ વડે સમર્થન કરાતું. અહીં માન્યામાં ન આવે તેવો દાવો કરવામાં આવ્યો છે: ચાલ્યા વિના પ્રવાસ કેમ થાય? ધરતી સ્થિર રહે અને ચરણ આગળ નીકળી જાય એ પ્રવાસ કહેવાતો હોય, તો ચરણ સ્થિર રહે અને ધરતી પાછળ ખસી જાય એ પ્રવાસ ન કહેવાય? પગ તળેથી ધરતી ખસી જવી એટલે આઘાત લાગવો. ચરણ આગળ જવાથી યાત્રા થાય, અને ધરતી પાછળ ખસવાથી આંતર્યાત્રા. બીજી પંક્તિમાં અણધાર્યો ખુલાસો આપીને કવિ ચમત્કૃ તિ સર્જે છે.કવિને માટે ચમત્કૃ તિ સર્જવી મરજીયાત, પણ સારી કૃતિ સર્જવી ફરજિયાત હોય છે.
ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે
ગૂંચ ઉકેલવા જતાં કેટલાક માણસો અકળાઈ જાય.કાપી નાખે, તોડી નાખે. પછી હાથમાં રહી જાય દોરા. એમાંથી ચદરિયા ન વણી શકાય, હા કદાચ કફન વણી શકાય. કવિ દોરીની વાત કરવાને બહાને જીવાદોરીની વાત કરી રહ્યા છે.
નૌકા જળમાં રહે તો ય જળથી અજાણ
છિદ્ર પડતાં પરિચય થતો જાય છે
સંસારસાગરમાં મારી-તમારી નૌકા તરી રહી છે. તેને સાગર સાથે સંપર્ક તો ખરો, પણ સપાટી પરનો. તળિયાની શક્યતાને તેણે તાગી નથી. યક્ષે યુધિષ્ઠિરને પૂછ્યું હતું- જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠરનો ઉત્તર- મરણ પાછળ ને પાછળ હોવા છતાં માનવી અમર હોય એમ જીવ્યે જાય છે, એ જ મોટું આશ્ચર્ય.મોત સાવ સામે આવીને ઊભું રહે ત્યારે આપણને જિંદગીની પહેલવહેલી ઓળખાણ થાય છે.
માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે
કનુભાઈને પત્નીએ પૂછ્યું: મુમતાઝ ગઈ પછી શાહજહાંએ તાજમહાલ બાંધ્યો, હું જાઉં પછી તમે શું બાંધશો? કનુભાઈ બોલ્યા: સવિતાબેનનું ટિફિન. બીજી પળથી વિકલ્પો વિચારાય છે. પત્નીની સ્મશાનયાત્રા દરમિયાન પતિના બીજા લગ્નની વાતો ચર્ચાતી હોય- આપણા સમાજમાં એવુંય બનતું હતું. વસ્તુને વાપરી શકાય. વ્યક્તિને વાપરી શકાય?
લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર
એ જ શત્રુના ભાથે ઉમેરાય છે
આપણું તીર લક્ષ્ય ચૂક્યું એ પહેલું દુખ, એ જ તીરના લક્ષ્ય હવે આપણે બનવાના એ બીજું દુખ. બધી શક્યતાઓનો વિચાર કર્યા પછી જ તીર છોડવું. કાચો વકીલ ન્યાયમૂર્તિ સમક્ષ એવી દલીલો રજુ કરી બેસે,જેનો ઉપયોગ પોતાના જ અસીલ વિરુદ્ધ થાય.તીર એટલે ફક્ત બાણ નહિ. તીરના બીજા કયા અર્થો નીકળી શકે એ તમે જ વિચારો. લાગ્યું તો તીર નહિ તો તુક્કો!
નૌકા એટલે હોડી અને તીર એટલે બાણ- આ થયા વાચ્યાર્થ. નૌકા કે તીરના જે અન્ય અર્થો તમારા ચિત્તમાં પ્રકટે એને વ્યંગ્યાર્થ કહેવાય. કાવ્યશાસ્ત્રીઓ વ્યંગ્યાર્થવાળા કાવ્યને ઉત્તમ કહે છે.
આ ગઝલના પાંચેય શેરમાં વ્યગ્રતા અને વિફળતાના સૂર ઘુંટાય છે.
આઈએનટી સંસ્થાએ ગઈ કાલે જ રઈશ મનીઆરને ગઝલનો 'કલાપી એવોર્ડ' આપ્યો. રઈશને અભિનંદન!
- ઉદયન ઠક્કર


EmoticonEmoticon